સુરતના અમરોલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 6 માં અભ્યાસ કરતી માત્ર 11 વર્ષની માસૂમ બાળકીની છેડતી કરવામાં આવી હતી. જોકે, અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને નરાધમોને ઝડપી પાડી ભરેલા બજારે કાયદાનું ભાન કરાવ્યું છે.
સ્કૂલથી પરત ફરતી વખતે બે યુવકોએ છેડતી કરી
માસૂમ બાળા જ્યારે સ્કૂલેથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે બે મિત્રોએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રસ્તામાં આ નરાધમોએ હદ વટાવી દીધી અને જાહેરમાં બાળકીનો હાથ પકડી પોતાની તરફ ખેંચી બિભત્સ હરકતો કરી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજકુમાર યાદવ અને મુકેશ મીરને દબોચી લીધા હતા.













