આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકરક્ષક દળ (LRD) ની પરીક્ષા ચાલી રહી છે, જેમાં લાખો ઉમેદવારો કસોટી આપી રહ્યા છે. પરીક્ષા બોર્ડની કડક ગાઈડલાઈનના કારણે સમયસર પહોંચવું અનિવાર્ય હતું. આવા કપરા સમયે સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી ત્રણ ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે ખાખી વર્દીની પાછળ એક સંવેદનશીલ હૃદય પણ ધબકે છે. સુરત પોલીસના જવાનોએ સખત તડકા અને પરીક્ષાના તણાવ વચ્ચે ફસાયેલા ત્રણ ઉમેદવારોની વહારે આવીને સોશિયલ મીડિયા પર વાહવાહ મેળવી છે.


18 કિલોમીટર દૂર ખોટા સેન્ટરે પહોંચેલી દીકરીને પોલીસે પહોંચાડી

સૌથી હૃદયસ્પર્શી ઘટના ડિંડોલી વિસ્તારમાં બની હતી. એક વિદ્યાર્થિનીનું પરીક્ષા કેન્દ્ર લસકાણા ખાતે હતું, પરંતુ સરનામાની ગૂંચવણના કારણે તે ભૂલથી ૧૮ કિલોમીટર દૂર ડિંડોલી પહોંચી ગઈ હતી. પરીક્ષાનો સમય શરૂ થવાને ગણતરીની મિનિટો બાકી હોવાથી દીકરી રડવા લાગી હતી. ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાનોની નજર તેના પર પડતાં તેમણે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા. પોલીસે સમય બગાડ્યા વિના પોતાની સરકારી ગાડી ૧૮ કિલોમીટર સુધી દોડાવીને તે દીકરીને બિલકુલ સમયસર તેના મૂળ પરીક્ષા કેન્દ્ર લસકાણા ખાતે પહોંચાડી હતી.

બંધ દુકાનો વચ્ચે ખટોદરા પોલીસ સ્ટેશન બન્યું ઝેરોક્ષ સેન્ટર

બીજી ઘટનામાં એક ઉમેદવાર પોતાનો ઓફિશિયલ કોલલેટર લાવવાનું ભૂલી ગયો હતો અથવા તેની હાર્ડકોપી ખોવાઈ ગઈ હતી. આજે રવિવાર હોવાના કારણે આસપાસની તમામ ઝેરોક્ષ અને પ્રિન્ટિંગની દુકાનો સવારના સમયે બંધ હતી, જેથી ઉમેદવાર ભારે ચિંતામાં મુકાયો હતો. આ બાબતની જાણ ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફને થતાં, તેમણે માનવતા દાખવીને ઉમેદવારને પોલીસ સ્ટેશનની અંદર બોલાવ્યો હતો અને પોતાના ઓફિશિયલ કમ્પ્યુટર-પ્રિન્ટરની મદદથી તેનો કોલલેટર ડાઉનલોડ કરીને તુરંત પ્રિન્ટ કાઢી આપી હતી.

 પીસીઆર (PCR) વાન બની તારણહાર

આવી જ ત્રીજી ઘટના રાંદેરથી ગોરાટ રોડ પર બની હતી, જ્યાં એક વિદ્યાર્થિની સેન્ટરનું કન્ફ્યુઝન હોવાને કારણે રસ્તા વચ્ચે અટવાઈ ગઈ હતી. તે સમયે પેટ્રોલીંગમાં રહેલી સુરત પોલીસની પીસીઆર (PCR) વાન તેની લાઈફલાઈન બની હતી. જવાનોએ તેને વાનમાં બેસાડીને સેન્ટર સુધી સુરક્ષિત ડ્રોપ કરી હતી. સુરત પોલીસની આ ત્રણેય કામગીરીના કારણે ત્રણ આશાસ્પદ ઉમેદવારોનું વર્ષોનું ભવિષ્ય રોળાતું બચી ગયું છે, જેની સમગ્ર સુરત અને સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો: Viramgam: ધ્રાંગધ્રા હાઇવે પર બે ટ્રકો વચ્ચે ભયાનક ટક્કર, ટ્રક ચાલકનું ઘટનાસ્થળે નીપજ્યું કરુણ મોત

  • Follow us on: