કુકરમુંડા તાલુકામાં આદિવાસી હક-અધિકારની વિવિધ મુદ્દાઓને લઇને તાલુકા સેવા સદન કુકરમુંડા ખાતે ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર આપી ધરણા અને અંદોલન કરવાની મંજૂરી માટે રજૂઆત કરવામાં આવી હતી. ધરણા આંદોલન દરમિયાન ફૂલવાડી ગ્રામ પંચાયતના મુખ્ય મથક કુકરમુંડા ગામે સરકારી જમીન પર કોમર્શિયલ હેતુસર પાકી દુકાનો બનાવવામાં આવી હોવાના આક્ષેપો સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે અગાઉ રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ઉપરાંત વર્ષ 2014થી આદિવાસી સમાજના આર્થિક વિકાસ માટે ગ્રામ હાટ બજાર માટે રૂ.5.35 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઇ હોવા છતાં આજદિન સુધી બાંધકામ ન થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં વધુ રૂ.2 કરોડનો મામલો અને ફૂલવાડી ગ્રામ પંચાયતના સરપંચ તથા માજી સરપંચ સામે વિવિધ સરકારી યોજનાઓમાં કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સાથે આરટીઆઇ આધારિત સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
