સુરત શહેરની ચોક બજાર પોલીસે એક લાંબા સમયથી વોન્ટેડ અને શાતિર મહિલા આરોપીને ઝડપી પાડી છે. લગ્નના પવિત્ર બંધનના નામે નિર્દોષ પુરુષોને ફસાવી, દાગીના અને રોકડ લઈને ફરાર થઈ જતી 'લૂંટેરી દુલ્હન' કવિતા સુનિલ વાઘ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે.


સુરતમાં 3 વર્ષથી ફરાર લૂંટેરી દુલ્હન ઝડપાઈ 

ઘટનાની વિગત મુજબ, વર્ષ 2023માં એક ફરિયાદીને લગ્ન કરવા માટે દલાલ મારફતે કવિતા સાથે મુલાકાત કરાવાઈ હતી. લગ્ન નક્કી થયા બાદ કવિતા અને તેની ટોળકીએ લાખો રૂપિયાની દલાલી પડાવી લીધી હતી. લગ્ન બાદ થોડા જ સમયમાં કવિતા સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ રકમ લઈને રાતોરાત ફરાર થઈ ગઈ હતી. આ મામલે ચોક બજાર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

3 વર્ષ સુધી પોલીસને હંફાવી

આરોપી મહિલા કવિતા વાઘ વર્ષ 2023થી પોલીસને સતત થાપ આપી રહી હતી. તે વારંવાર પોતાના રહેઠાણ અને ઓળખ બદલીને ધરપકડથી બચતી હતી. સુરત પોલીસે તેની પાછળ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું જાળ બિછાવ્યું હતું.

નાસિકથી થઈ ધરપકડ

ચોક બજાર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટેરી દુલ્હન કવિતા મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાં છુપાયેલી છે. પોલીસે તાત્કાલિક એક ટીમ નાસિક રવાના કરી હતી અને ઓપરેશન પાર પાડીને કવિતાને ઝડપી પાડી સુરત લાવવામાં આવી છે.પોલીસને શંકા છે કે કવિતાએ માત્ર સુરત જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ અનેક લોકો સાથે લગ્નના બહાને ઠગાઈ કરી હોઈ શકે છે. હાલ પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે કે આ રેકેટમાં તેની સાથે અન્ય કયા દલાલો અને સાગરીતો સંડોવાયેલા છે.

આ પણ વાંચો: Bhavnagar: ઈરાન-ઇઝરાયલ તણાવની અસર, ભાવનગરનો યુવાન દુબઈમાં ફસાયો, પરિવારમાં ચિંતાનો માહોલ

  • Follow us on: