સુરતમાં એક આરટીઓ (RTO) એજન્ટે ખોટા રોફ જમાવવા અને પોતાના ગેરકાયદેસર કામો પાર પાડવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીના નામનો દુરુપયોગ કરતા અડાજણ પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ જગદીશ ઉર્ફે જગો બાલુભાઇ પટેલ તરીકે થઈ છે.

ગેરકાયદેસર કામો પાર પાડવા ધાક-ધમકી આપી

આરોપી જગદીશ પટેલ છેલ્લા 20 વર્ષથી RTO એજન્ટ તરીકે કાર્યરત છે. તેને RTO ને લગતું કોઈ ગેરકાયદેસર કામ કરાવવું હતું, જેના માટે તેણે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદી જ્યારે તેના દબાણમાં ન આવ્યા, ત્યારે જગદીશ પટેલે તેમને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેણે પોતે ACB ના PI નો ગાઢ મિત્ર હોવાની ખોટી ઓળખ આપીને ફરિયાદીને સતત ફોન પર અને રૂબરૂમાં ધાક-ધમકી આપી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

પોલીસ કાર્યવાહી

પોતાની સાથે થઈ રહેલા સતત માનસિક ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ખોટી ઓળખ આપીને પોલીસની છબી ખરડનાર તથા લોકોમાં ખોટો ડર ઉભો કરનાર આરોપી જગદીશ ઉર્ફે જગાને દબોચી લીધો હતો.

આ પણ વાંચો: Surat: ધાર્મિક યાત્રાના નામે 44 લોકો સાથે 5.28 લાખની ઠગાઈ કરનાર યુવરાજ જરીવાલાની ચોકબજાર પોલીસ દ્વારા ધરપકડ