સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગેલી ભીષણ આગ હજુ પણ યથાવત છે. ગોપીનાથ ટેક્સટાઇલ મિલમાં લાગેલી આ આગને બે કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં સ્થિતિ હજુ કાબૂમાં આવી નથી. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અનેક ફાયર ફાઈટરો ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવા સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે.

રજા હોવાથી મોટી જાનહાનિ ટળી

સૌથી રાહતની વાત એ છે કે, આજે મિલમાં રજાનો દિવસ હોવાથી અંદર કામદારોની હાજરી નહિવત હતી. જો મિલ ચાલુ હોત તો મોટી જાનહાનિ થવાની ભીતિ હતી. હાલમાં મિલના બિલ્ડિંગમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે, જે દૂર-દૂર સુધી જોઈ શકાય છે. આગ એટલી વિકરાળ છે કે આજુબાજુની કંપનીઓને પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવી છે.

ફાયર વિભાગની ભારે જહેમત

ઘટના સ્થળે હાજર ફાયર ઓફિસરોના જણાવ્યા અનુસાર, મિલમાં કાપડ અને કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે. બે કલાકના સતત ઓપરેશન બાદ પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. ફાયરના જવાનો ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા છે, પરંતુ હાલ પ્રાથમિકતા આગ બુઝાવવાની છે.


https://x.com/sandeshnews/status/2039248651231621154


સુરત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે તૈનાત છે અને લોકોની ભીડને દૂર રાખી ફાયર ફાઈટરો માટે રસ્તો ક્લિયર કરવામાં આવી રહ્યો છે. આગ ઓલવવાની કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે.


આ પણ વાંચો - Surat News: સચિન GIDCની હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, કાપડની કંપનીમાં મેજર કોલ જાહેર કરાયો