સુરતની સચિન GIDC પોલીસે બાતમીના આધારે સપાટો બોલાવી તમિલનાડુમાં ઘરફોડ ચોરીને અંજામ આપી નાસી છૂટેલા બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ દક્ષિણ ભારતમાં ગુનો આચરી સુરતમાં આશરો મેળવવા માટે આવ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે.


બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટક્યા

ગત 26 જાન્યુઆરી 2026 ના રોજ તમિલનાડુના ફ્લાવર બજાર વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટક્યા હતા. આરોપીઓએ આ ઘરમાંથી અંદાજે રૂપિયા 1.95 લાખની રોકડ રકમ ની ચોરી કરી હતી. આ મામલે તમિલનાડુના ફ્લાવર બજાર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો અને ત્યાંની પોલીસ તપાસ કરી રહી હતી.

સુરત આવીને છુપાયા હતા આરોપીઓ

ચોરીને અંજામ આપ્યા બાદ પકડાઈ જવાના ડરથી આ બંને આરોપીઓ તમિલનાડુ છોડીને સુરત આવી પહોંચ્યા હતા. તેમને લાગ્યું હતું કે સુરત જેવા મોટા શહેરમાં તેઓ સહેલાઈથી છુપાઈ જશે. જોકે, સચિન GIDC પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે તમિલનાડુમાં ચોરી કરનાર બે શખ્સો તેમના વિસ્તારમાં ફરી રહ્યા છે.

પોલીસ કાર્યવાહી

સચિન GIDC પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વોચ ગોઠવીને બંને શખ્સોને દબોચી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ તમિલનાડુના ફ્લાવર બજારમાં કરેલી ચોરીની કબૂલાત કરી છે. હાલમાં સુરત પોલીસે આ અંગે તમિલનાડુ પોલીસને જાણ કરી છે અને આરોપીઓનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: લોડેડ તમંચા સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, MP થી હથિયાર લાવ્યાનું ખુલ્યું


  • Follow us on: