સુરતના જગવિખ્યાત કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર શાતિર ઠગબાજ અજય તોલાનીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ સુરતની મોટી ટોકીઝ પાસેથી કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, અજય તોલાનીએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી. તેણે અન્ય વ્યક્તિઓના નામે નકલી પાનકાર્ડ બનાવી તેના આધારે GST નંબર મેળવ્યો હતો. આ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેણે 'RJ એન્ટરપ્રાઈઝ' નામે એક પેઢી ઉભી કરી હતી અને વિશ્વાસ જીતી કાપડના વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 1.98 કરોડનો માલ પડાવી લીધો હતો.
GST પોર્ટલનો દુરુપયોગ
આ ઠગબાજની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે તેણે સરકારી દસ્તાવેજો અને ટેક્સ પોર્ટલનો ઉપયોગ કરીને પોતાની પેઢીને સાચી સાબિત કરી હતી, જેથી વેપારીઓ તેની જાળમાં ફસાઈ ગયા હતા. માલ લીધા બાદ પેમેન્ટ આપવાને બદલે આરોપીએ પોતાની પેઢી સમેટી લીધી હતી. જે બાબતે ભોગ બનનાર વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે અજય તોલાનીને દબોચી લીધો છે. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે આ કૌભાંડમાં તેની સાથે અન્ય કેટલા લોકો સામેલ છે અને તેણે અન્ય કયા વેપારીઓને નિશાન બનાવ્યા છે.













