સુરતના બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં આભને આંબતી તેજી જોવા મળી છે. ચાંદીના ભાવ ઈતિહાસમાં પ્રથમ વખત રૂ. 4 લાખની સપાટીને પાર કરી ગયા છે, જેને પગલે બજારમાં ભારે હલચલ મચી છે. એક તરફ શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને રોકાણકારોના નાણાં ધોવાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ સોના અને ચાંદીમાં જોવા મળતી તોફાની તેજીને કારણે સુરતીઓ સુરક્ષિત રોકાણ તરીકે ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા મિસ મેનેજમેન્ટ અને આર્થિક અનિશ્ચિતતા આ ભાવ વધારા પાછળના મુખ્ય કારણો હોઈ શકે છે.

સોના-ચાંદીમાં 'સુનામી'

જ્વેલર્સ અને બજારના વિશ્લેષકોના મતે, ભવિષ્યમાં પણ ચાંદીના ભાવમાં હજુ ઉછાળો આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ જ કારણ છે કે લોકો અત્યારથી જ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ માટે ચાંદીની લગડી અને સિક્કાઓની ખરીદી કરી રહ્યા છે. શેરબજારમાં ચાલી રહેલા અસ્થિર માહોલને જોતા મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો હવે કિંમતી ધાતુઓ તરફ વળ્યા છે. સુરતના જ્વેલરી શોરૂમ્સમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે મોંઘવારી છતાં લોકો સુરક્ષિત ભવિષ્ય માટે ચાંદીમાં રોકાણ કરવું વધુ હિતાવહ માની રહ્યા છે.