અલથાણ વિસ્તારમાં આવેલા સુમન ભાર્ગવ આવાસમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના બની છે. એક શિક્ષિત સોફ્ટવેર એન્જિનિયર યુવક પર બે મહિલાઓ અને એક પુરુષે મળીને હિંસક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરોની કરતૂત કેદ થઈ છે.
આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યો હુમલો
મળતી માહિતી મુજબ, હુમલો કરનાર ત્રણેય શખ્સો જેમાં એક દંપતી અને અન્ય એક મહિલાનો સમાવેશ થાય છે, તેઓ અગાઉથી જ એન્જિનિયર યુવકને માર મારવા માટે રાહ જોઈને બેઠા હતા. જેવો યુવક ત્યાંથી પસાર થયો કે તરત જ ત્રણેયે તેને ઘેરી લીધો હતો અને મારામારી શરૂ કરી હતી.
ગળું દબાવ્યું અને જાહેરમાં અપમાનિત કર્યો
ફરિયાદ મુજબ, હુમલાખોરોએ માત્ર શારીરિક માર જ નહોતો માર્યો, પરંતુ યુવકનું ગળું દબાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. વધુમાં, હુમલાખોરોએ યુવકને જાહેરમાં 'નપુંસક' કહીને માનસિક રીતે ટોર્ચર કર્યો હતો અને ભારે અપમાનિત કર્યો હતો. આ પ્રકારના ગંભીર આક્ષેપો અને વર્તનને કારણે આવાસના રહીશોમાં પણ ચર્ચા જાગી છે.
સીસીટીવી ફૂટેજ બન્યા મહત્વના પુરાવા
આ સમગ્ર મારામારીના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે બે મહિલાઓ અને એક શખ્સ યુવક સાથે ઝપાઝપી કરી રહ્યા છે. અલથાણ પોલીસે આ ફૂટેજ કબજે કર્યા છે અને પીડિત યુવકની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad: પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં હત્યા, ચાર શખ્સોએ માધુપુરા માર્કેટના શ્રમિકને મોતને ઘાટ ઉતાર્યો