સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં થયેલી સનસનાટીભરી લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. પોલીસે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી બે આરોપીઓ શુભમ ઠાકુર અને વિકાસ સિંઘની ધરપકડ કરી છે. આ લૂંટમાં આરોપીઓની ચાલાકી અને બેંકની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે.

ચોરાયેલા બાઈક અને ચેસિસ નંબર સાથે ચેડા

તપાસમાં ખુલાસો થયો છે કે લૂંટારુઓ જે બાઇક પર આવ્યા હતા તે અમદાવાદ અને જામનગરથી ચોરી કરવામાં આવી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ બાઇકના ચેસિસ નંબર સાથે પણ છેડછાડ કરી હતી. સુરત પોલીસે આ કેસ ઉકેલવા માટે 200થી વધુ CCTV કેમેરા ખંખોળી નાખ્યા હતા.

બેંક સ્ટાફની બેદરકારી

લૂંટ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. લૂંટારુઓએ બેંકના એલાર્મ સિસ્ટમના વાયર કાપ્યા ન હતા. લૂંટ સમયે લૂંટારુઓએ પોતે જ ત્રણ વાર બર્ગલર એલાર્મ દબાવ્યો હતો, પરંતુ તે વાગ્યો જ નહીં! નવાઈની વાત તો એ છે કે બેંક મેનેજર સહિતનો સ્ટાફ આ એલાર્મ સિસ્ટમ કામ કરે છે કે નહીં તેનાથી તદ્દન અજાણ હતો. આ ટેકનિકલ ખામીનો લાભ ઉઠાવી લૂંટારુઓ સરળતાથી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

UPથી સુરત લાવવાની તૈયારી

ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ગોંડા કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ બંનેને સુરત લવાશે, જ્યાં લૂંટાયેલી રકમ અને અન્ય સાથીદારો અંગે પૂછપરછ કરવામાં આવશે.


આ પણ વાંચો---   West Bengal Election Result 2026 : કોંગ્રેસના સુપડા સાફ, દિલ્હી-આંધ્ર બાદ હવે બંગાળમાં પણ 'ઝીરો'ની હેટ્રિક ભણી? પછડાટનો સિલસિલો યથાવત