કીમ : સુરત જિલ્લાનાં અંતરિયાળ અને ડુંગરાળ આદિવાસી પંથકમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણની મુખ્યધારા સાથે જોડી રાખવા માટે શરૂ કરવામાં આવેલી ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. ખાસ કરીને માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાનાં છેવાડાનાં ગામોમાંથી શિક્ષણ મેળવવા માંગતા છાત્રો માટે આ સુવિધા મોટી રાહત લઇને આવી છે. યોજના અંતર્ગત માંડવી બસ ડેપો ખાતેથી કુલ 14 રૂટ પર નિઃશુલ્ક એસ.ટી. બસ સેવા સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે, જેનો લાભ લઇને હાલમાં 929 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ કોઇપણ મુશ્કેલી વગર પોતાની શાળા અને કોલેજ સુધી નિયમિત અવર જવર કરી રહ્યા છે. અગાઉ આ ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારોમાંથી શાળા કે કોલેજ સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓએ લાંબુ અંતર પગપાળા કે મુશ્કેલીભરી રીતે કાપવું પડતું હતું, જેનાં કારણે અભ્યાસમાં અનિયમિતતા સર્જાતી હતી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનાં પાવન અવસરે ગત વર્ષે 15 નવેમ્બરે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા ખાતેથી આ યોજના હેઠળ 111 બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ જનજાતિય વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સુવિધા વધારવાનાં ભાગરૂપે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જુલાઇ 2026માં વધુ 139 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રૂટ પર દોડતી તમામ બસોમાં જીપીએસ સિસ્ટમ મારફતે રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે.
