સુરતના માંગરોળ તાલુકાના પાલોદ ગામે ગાળાગાળી કરવા જેવી સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. પાલોદ ગામે કિમ ચાર રસ્તા નજીક આવેલી સાનિધ્ય ટાઉનશીપમાં જાહેરમાં ગાળો બોલવાની મનાઈ કરતા એક શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને રહીશ સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.


શું હતી સમગ્ર ઘટના?

બનાવની વિગત મુજબ, રાત્રિના સમયે સાનિધ્ય ટાઉનશીપના રહીશો સોસાયટીના ગેટ પાસે આવેલા બાંકડા પર બેઠા હતા. આ દરમિયાન ત્યાં બેઠેલો એક વ્યક્તિ પોતાના ફોન પર મિત્ર સાથે વાત કરી રહ્યો હતો અને મજાકમાં જોર-જોરથી બીભત્સ ગાળો બોલી રહ્યો હતો. સોસાયટીના રહીશોએ જાહેરમાં આ પ્રકારે ગાળો બોલવાની ના પાડતા અને મર્યાદા જાળવવા કહેતા મામલો ગરમાયો હતો.

બોટલ વડે કર્યો હુમલો

ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાની પાસે રહેલી પ્લાસ્ટિકની ઠંડા પીણાની બોટલ રહીશના માથામાં ફટકારી દીધી હતી અને જોતજોતામાં મારામારી શરૂ કરી દીધી હતી. અચાનક થયેલા આ હુમલાથી સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર મામલો પાલોદ પોલીસ મથકે પહોંચતા પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં હુમલાના દ્રશ્યો સ્પષ્ટ દેખાતા હોવાથી પોલીસને પુરાવા મેળવવામાં સરળતા રહેશે.


આ પણ વાંચો---    Gandhinagar : ‘ખાખી’ ના નામે દિલધડક ચોરી, પોલીસની ગાડીમાં આવ્યા તસ્કરો અને સેકન્ડોમાં હાથફેરો કરી ફરાર

  • Follow us on: