મહારાષ્ટ્રના નવાપુર શહેર પાસે આવેલા સુરત-ધુલિયા નેશનલ હાઈવે નં.53 પર રાંયગણ ગામની જીનિંગ પાસે શનિવારે મોડી રાત્રે લોખંડના સળિયા ભરેલા ટ્રેલર ટ્રકની પાછળ કન્ટેનર ટ્રક ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં કન્ટેનરની કેબિનનો ભૂક્કો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.
જાલનાથી લોખંડના સળિયા ભરીને સુરત તરફ જઈ રહેલું ટ્રેલર ટ્રક (એમ.એચ.21.બી.એચ.9066)નો ચાલક રામરાજ ભગવતી દિન (ઉં.વ.49)ને શનિવારે રાત્રે 12:30 વાગ્યાના અરસામાં રાંયગણ ગામ નજીક ટ્રેલરના પાછળના વ્હીલમાંથી અવાજ આવતા તેણે ગાડી રોડ સાઈડ ઊભી રાખીને ચેક કરવાનું શરૂ કર્યું હતું, એ જ સમયે (કે.એ.51.એ.જી.9026)માં બેંગ્લોરથી પ્લાસ્ટિકની ખાલી બોટલો ભરીને સુરત જઈ રહેલા કન્ટેનરના ચાલક વિજયકુમારે ઊભેલા ટ્રેલર પાછળ કન્ટેર અથડાવી દીધું હતું. કન્ટેનરમાં ચાલક સાથે સવાર ક્લીનર પંકજપુરી બનવારીપુરી (19 રહે. નવલગડ, જિ. ઝુંઝનુ, રાજસ્થાન) કેબિનમાં જ ફસાઈ ગયા હતા. અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢયા હતા. આ અકસ્માતમાં ક્લીનર અને ચાલકના પગમાં ઈજા પહોંચી હતી. અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.
