બુહારી : વાલોડના બુટવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી આશરે 5થી 6 વર્ષના દીપડો આંટા મારતો હતો. ગામના સીમ વિસ્તાર તેમજ સરપંચ પ્રિયંકાબેનના ઘર નજીક રાત્રે અવારનવાર દીપડો નજરે પડતા ગ્રામજનો, ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય ફેલાયો હતો. લોકોએ રાત્રિના સમયે ખેતરે જવાનું પણ ટાળ્યું હતું. આ અંગે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. દરમિયાન, શિકારની લાલચે આવેલો દીપડો આખરે પાંજરામાં કેદ થઈ ગયો હતો. વનવિભાગે દીપડાને સુરક્ષિત રીતે કબજે કરી જંગલમાં છોડતા લોકોને રાહત થઈ છે.
