ઓલપાડ-સાયણ મેઈન રોડને અડીને દેલાડ ગામની સીમમાં આવેલ રામકિશન કોલોનીમાંથી પોલીસે રૂ.2.67 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડી દારૂ આપી જનારા મેહુલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
સાયણ આઉટ ચોકીની ટીમ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી,તે સમયે પીએસઆઇ ડી.બી.દેસાઇને બાતમી મળી હતી કે,દેલાડ ગામની રામકિશન કોલોનીમાં મોહન ડાહ્યાભાઇ રાઠોડના પતરાંના મકાનમાં આ કોલોનીમાં રહેતો ચંદુ ઉર્ફે ચંદો સુકાભાઇ રાઠોડ(ઉ.વ.47)એ વિદેશી દારૂનો જથ્થો સંતાડયો છે અને તે દારૂ સગેવગે કરવાની પેરવીમાં છે.જેથી પોલીસ ટીમે રાત્રે-11:30 કલાકે રેડ કરતા બાતમી સ્થળના મકાનમાંથી નાની-મોટી વિદેશી દારૂની 1,789 બોટલ અને બિયર ટીન (કિંમત રૂ. 2,67,48) સાથે બુટલેગર ચંદુ રાઠોડ ઝડપાઈ ગયો હતો.જેથી પોલીસે વિદેશી દારૂ સાથે આરોપીની અંગજડતીથી મળેલ રૂ.5,000ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,72,488નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે દારૂના સપ્લાયર બાબતે પોલીસની પૂછપરછ દરમ્યાન આરોપીએ જણાવ્યું હતું કે,તેને મેહુલ નામનો શખ્સ દારૂ આપી જાય છે.જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે બંન્ને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઇ ડી.બી.દેસાઇ કરી રહ્યા છે.
