સમગ્ર વર્ષ દરમિયાન લોકો ડરતા રહ્યા કે અલનીનોની અસરથી આ વખતે ચોમાસું નબળું જશે અને એ મોડું તો પડયું પરંતુ જામ્યું ત્યારે લોકો બૂમો પાડતાં થઈ ગયા કે આવું તો ક્યારેય જોયું ન હતું. સુરત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ઘણાંખરાં પ્રદેશોમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશ જાણે વરસાદ નહીં પણ જળનો કોપ વરસાવી રહ્યું છે. ક્યાંક રસ્તાઓ નદી બન્યાં તો ક્યાંક ગામો પાણીથી ઘેરાયા અને જોતજોતામાં મેઘરાજાએ ધરતીનું સ્વરૂપ બદલી નાખ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે એ પ્રશ્ન સ્વભાવિક છે કે, આ વરસાદ ચોમાસાની હવામાનશાસ્ત્રીય ઘટના છે કે, આકાશની ગ્રહસભામાં છૂપાયેલો કોઈ અસામાન્ય સંકેત.

જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, 2026માં સૌથી ધ્યાન ખેંચે છે જળતત્વની રાશિ કર્કમાં ગુરૂનું અતિચારી ભ્રમણ. ગુરૂની આ સ્થિતિને મેદિની જ્યોતિષની ભાષામાં જોવામાં આવે ત્યારે જળતત્ત્વની પ્રચુરતા, નદીઓમાં જળવૃદ્ધિ અને વરસાદી પ્રવૃત્તિના વિસ્તાર સાથે તેનો સંબંધ સ્થપાય છે. આકાશની વાત 2026માં માત્ર અહીં પૂર્ણ નથી થતી. શનિ પણ જળતત્વની રાશિ છે અને શનિનું મીન રાશિમાં ભ્રમણ પણ ચોમાસા માટે રસપ્રદ છે. જ્યોતિષનો સિદ્ધાંત છે કે જ્યારે જળતત્વ બળવાન બને અને તેને વિસ્તરણ આપતા ગ્રહ શક્તિશાળી હોય ત્યારે આકાશ માત્ર વરસતું જ નથી તેની સીમા પણ ક્યારેક ભૂલી જાય છે.

ઉચાટભર્યા આ સમય બાદ હવે આગળ ચોમાસું કેવું જશે, એ સવાલ પણ આ સંજોગોમાં ઊભો થાય છે. તો ગ્રહોનો સંદેશ એ જ છે કે, મેઘ હજી મૌન નહીં રહે, કારણ કે આ વખતે શ્રાવણના આકાશે માત્ર વાદળોની ચાદર નથી ઓઢી સાથે ગ્રહોએ જ જળના દ્વાર ખોલી દીધા છે. નિરયણ ગ્રહસ્થિતિ, નક્ષત્ર, ગ્રહદ્રષ્ટિ, અસ્ત-વક્રી અવસ્થા અને મેદિની જ્યોતિષના જળવૃષ્ટિ સંકેતો સાથે વરસાદનું અલગ જ ચિત્ર ઊભું થાય છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે 31જુલાઈએ સવારે ચંદ્રનો કુંભ રાશિમાં પ્રવેશ જ્યોતિષની દ્રષ્ટિએ હવામાન માટે ધ્યાન ખેંચે તેવી ઘટના છે. કુંભમાં પહેલેથી રાહુનો પ્રભાવ છે અને ચંદ્ર પણ એ જ રાશિમાં પ્રવેશ કરતાં શુક્રવારે સવારથી જ વરસાદ અસમાન અને તીવ્ર દેખાવા લાગ્યો. 31મી જુલાઈએ સાંજે 7:30 પછી ચંદ્રએ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો. એ નક્ષત્ર પણ રાહુનું છે. આ કારણે 31 જુલાઈની રાતથી 1 ઓગસ્ટનો સમય વાતાવરણમાં અચાનક ફેરફાર અને તીવ્રતા વધારવાનો સંકેત આપે છે. ત્યારબાદ ચંદ્ર મીન રાશિમાં પ્રવેશ કરશે એ પણ પૂર્ણ જળતત્વની રાશિ છે. એ જ મીન રાશિમાં શનિ વક્ર ગતિથી ગોચર કરી રહ્યો છે. આથી આકાશમાં એક રસપ્રદ ત્રિકોણીય જળચિત્ર રચાશે. આ સ્થિતિ વચ્ચે વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ આપી શકે તેવા સંકેત આપે છે.

જ્યોતિષ ગોચરની દ્રષ્ટિે આ સમય સંવેદનશીલ છે. ત્યારબાદ 2 અને 3 ઓગસ્ટે પણ ગ્રહચિત્ર વરસાદ સંપૂર્ણ બંધ થઈને રાહત આપે તેવા સંકેત નથી એટલે કે મેઘરાજા વિદાય નહીં લેશે પરંતુ તેમનો રૌદ્ર મિજાજ બદલાવાની ચોક્કસ શરૂઆત થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો