સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સપ્તાહ પહેલાં આમ આદમી પાર્ટી (આપ)ના દિલ્હી હાઈકમાન્ડ અને સુરત વચ્ચે ચાલતા અત્યંત ગુપ્ત અને સુનિયોજિત હવાલા કાંડનો પર્દાફાશ થયો હતો. દિલ્હીથી છેલ્લા છ મહિનામાં રૂ. 1.25 કરોડ જેટલું મસમોટું ફંડ આંગડિયા મારફતે સુરત મોકલાયું હોવાનો ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓને તેજ કરવા માટે ફંડ વપરાતું હોવાની વાતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર તરીકે દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તેમજ અજય તિવારીનાં નામો ખૂલ્યા છે.
ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસને બાતમી મળી હતી કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને સુરતમાં આમ આદમી પાર્ટી માટે મોટું ફંડ દિલ્હીથી હવાલા મારફતે આવી રહ્યું છે. જે દિશામાં વર્કઆઉટ કરી ક્રાઇમ બ્રાંચે પીપલોદના પ્રગતિનગરમાં રહેતા આકાશ મિશ્રાને ઊંચકી લીધો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ પાહુજા આંગડિયામાં નાણાં મોકલતો હતો. છેલ્લા 5-6 મહિનામાં મહિધરપુરાની અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં ટૂકડે-ટૂકડે પાંચેક વખત મળી રૂ. 1.25કરોડ જેટલી રકમ પાહુજાએ મોકલી આપી હતી. આંગડિયામાં આ નાણાં લેવા આકાશ મિશ્રા અને અજય તિવારી જતો હતો. સુરતમાં 'આપ'ના ઉમેદવારો માટે અને મતદારોને રીઝવવા દિલ્હીથી મોકલાયેલા આ ફંડનો ઉપયોગ થતો હોવાની આશંકા છે. દિલ્હીથી સુરત વચ્ચેની આ હવાલા ચેઇનમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
ગેરકાયદે આર્થિક ચેઇન દ્વારા મોકલેલા નાણાંનો ઉપયોગ ક્યાં અને કોના કહેવાથી થયો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ સિન્ડિકેટમાં8-10 જણા સામેલ છે. પોલીસે આકાશ મિશ્રાનું નિવેદન લઇ હાલ તો જવા દીધો છે. આ મામલે ઉમરા પોલીસમાં જાણવા જોગ નોંધાઈ છે. મતદાનને એક સપ્તાહનો જ સમય બાકી છે ત્યારે આપનું હવાલા કૌભાંડ બહાર આવતા રાજકીય હલચલ વધી ગઈ છે.
હિમાંશુ પાહુજા પહેલા કોંગ્રેસમાં હતો : હાલ આપના નેતા ભારદ્વાજનો અંગત
દિલ્હીથી હવાલા મારફતે નાણાં મોકલતો હિમાંશુ પાહુજા પહેલાં કોંગ્રેસનો કાર્યકર્તા હતો. હાલ તે આપમાં સક્રિય છે. હિમાંશુ આમ આદમી પાર્ટીના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો અંગત મનાય છે.તે દિલ્હીથી ફંડ મોકલવાનું કામ સંભાળતો હતો. હિમાંશુ પાહુજાના અરવિંદ કેજરીવાલ અને ગોપાળ ઇટાળિયા સાથેના ફોટા પણ વાયરલ થયા છે.
હવાલાકાંડમાં ઇન્કમટેક્સ વિભાગ પણ હરકતમાં
હવાલાની સિન્ડિકેટમાં આગામી દિવસોમાં મોટા માથાઓને પણ પોલીસ તેડું મોકલશે. સાથોસાથ અજય તિવારી અને દિલ્હીના હિમાંશુ પાહુજાની પણ પૂછપરછ કરાશે. કરોડોના નાણાંની હેરફેરમાં ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસમાં જોતરાયો છે. આગામી દિવસોમાં આ હવાલાકાંડમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે. સુરત ઉપરાંત અન્ય શહેરોમાં નાણાં મોકલાતા હતા કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આંગડિયામાં ફંડ લેવા જતા આકાશ મિશ્રા અને અજય તિવારીના સીસીટીવી ફૂટેજ વાયરલ
દિલ્હીથી મોકલવામાં આવતું ફંડિગ સુરતના પીપલોદમાં આકાશ મિશ્રા (પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA રહી ચૂક્યો છે)ને પહોંચાડવામાં આવતા હતા. આકાશ મિશ્રા અને તેનો સાથી અજય તિવારી આ રકમ આંગડિયામાંથી મેળવી ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર માટે વહેંચતો હતો. પરપ્રાંતીય બંને યુવકો વર્ષોથી સુરતમાં રહે છે અને આપના સક્રિય કાર્યકર્તા હોવાનું મનાય છે.આંગડિયાના નાણાં રિસિવ કરતા બંનેના તા. 10 એપ્રિલના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. આ મામલે પોલીસ હવે ટેકનિકલ સર્વેલન્સ અને આંગડિયા પેઢીઓના રેકોર્ડ્સ ચકાસી રહી છે. અન્ય આંગડિયા પેઢીઓમાં પણ નાણાં હવાલાથી આવ્યા હોવાની આશંકા છે. પોલીસ તપાસનો રેલો જેમ જેમ આગળ વધશે તેમ તેમ દિલ્હીથી ગુજરાત સુધીના અનેક ‘સફેદપોશ’ ચહેરાઓ બેનકાબ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો