ભારતની અગ્રણી સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક એથર ઇન્ડસ્ટ્રીઝ અને ડાઉ ઇન્ડિયાએ સિલિકોન્સ માટે નવી મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી વિકસાવવા સંયુક્ત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત તમામ સંશોધન અને પાયલટ-સ્કેલ ડેવલપમેન્ટ સુરતમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝની R&D અને પાયલટ ફેસિલિટીમાં હાથ ધરાશે. આ પહેલથી દેશમાં જ અદ્યતન સિલિકોન્સ ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન મળશે તેમજ ભવિષ્યમાં તેના વ્યાવસાયિક ઉત્પાદન માટેનો માર્ગ પણ તૈયાર થશે.

સિલિકોન્સનો ઉપયોગ કન્સ્ટ્રક્શન, ટ્રાન્સપોર્ટેશન, ઇલેક્ટ્રોનિક્સ, હેલ્થકેર અને પર્સનલ કેર સહિતના અનેક ક્ષેત્રોમાં વ્યાપકપણે થાય છે. બંને કંપનીઓનું માનવું છે કે, આ ભાગીદારીથી ભારતમાં વધતી માંગને અનુરૂપ અદ્યતન ટેકનોલોજી વિકસાવવાની ગતિ વધશે અને સ્થાનિક સ્તરે ઇનોવેશનને મજબૂતી મળશે. એથર ઇન્ડસ્ટ્રીઝના ડૉ. અમન દેસાઈએ જણાવ્યું હતું કે, ડાઉ દ્વારા એથરને એક્સક્લુઝિવ રિસર્ચ પાર્ટનર તરીકે પસંદ કરવું ગૌરવની બાબત છે. જ્યારે ડાઉના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સહયોગથી વૈશ્વિક અનુભવ અને સ્થાનિક સંશોધન ક્ષમતાનો સમન્વય થશે, જેના પરિણામે ગ્રાહકોને વધુ આધુનિક સિલિકોન્સ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે અને નવા વ્યવસાયિક અવસર પણ ઊભા થશે.