સુરત : શનિવારે સાંજના સમયે પાલ વિસ્તારમાં બી.કોમ.ની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. લાંબા સમયથી એક યુવક તેણીને પરેશાન કરી રહ્યો હતો. આ યુવકના ત્રાસથી કંટાળી જઈ પુત્રીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનો આક્ષેપ પરિવારના સભ્યોએ કર્યો હતો.

ઝારખંડના વતની રામલખન યાદવ પરિવાર સાથે પાલ બાગબાન સર્કલ પાસે સુમન મુદ્રા એસએમસી આવાસમાં રહે છે. ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રામલખનને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. દરમિયાન શનિવારે સાંજે રામલખનની કાજલકુમારી (ઉં.વ.20) નામની પુત્રીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. એસ. ડી. જૈન કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કાજલકુમારીના અણધાર્યા પગલાથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. મૃતક કાજલકુમારીના કાકા મહાવીર યાદવે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કાજલકુમારીને એક યુવક ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. મોબાઈલ ફોન પર મેસેજ કરી પરેશાન કરતા આ યુવકના ત્રાસથી કંટાળી જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું. એક પરિચિત યુવકે કાજલકુમારીને પરેશાન કરનારા યુવક સાથેની ચેટિંગના સ્ક્રિનશોટ પણ તેમને આપ્યા છે. આ મામલે પાલ પોલીસે જણાવ્યું હતું કે, હજી સુધી પરિવારે આ પ્રકારની કોઈ માહિતી અમને આપી નથી. પરિવારના સભ્યોનો જવાબ લેવાનો બાકી છે. જોકે, મૃતક કાજલકુમારીનો મોબાઈલ ફોન કબજે કરી તપાસ શરૂ કરવામાં આવી છે.