પાલોદ પોલીસે પૂર્વ બાતમીનાં આધારે પાલોદ ગામની સીમમાં ને.હા.નં-48 પર આવેલી બંસી હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતા કેમિકલ ચોરીનાં મોટા નેટવર્કનો પર્દાફાશ કરી કુલ 1. 16 કરોડથી વધુના મુદ્દામાલ સાથે સુરતનાં ત્રણ ચાલકોને ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલોદ ગામની સીમમાં મુંબઇથી અમદાવાદ જતા ને.હા.નં-48 પર આવેલ બંસી હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં સુરેશ ખટીક નામનો ઇસમ તેનાં મળતીયાઓ સાથે મળીને હાઇવે પર ચાલતા કેમિકલ ભરેલ ટેન્કરોનાં ચાલકોનો સંપર્ક કરી ખુલ્લી જગ્યામાં કેમિકલ ભરેલ ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરે છે અને હાલમાં બંસી હોટલની પાછળનાં ભાગે ખુલ્લી જગ્યામાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી સગેવગે કરી રહ્યા હોવાની પાલોદ પોલીસને બાતમી મળી હતી. પાલોદ પીઆઇ એ.જે.રાણા પોતાની ટીમ સાથે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર સ્થળ પર દોડી જઇ તપાસ કરતા બે ટેન્કર અને એક અતુલ ટેમ્પો શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલા મળી આવ્યા હતા જ્યાં ટેન્કરમાંથી પાઇપ વડે બેરલમાં કેમિકલ કાઢવાની પ્રક્રીયા ચાલુ હતી. ચોંકી ઉઠેલી પાલોદ પોલીસે ચારેય બાજુથી ઘેરો ઘાલી ત્રણ ઇસમોને ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા આબાદ ઝડપી પાડયા હતા. પોલીસે પકડી પાડેલી ત્રણેયની પુછપરછ કરતા જેઓએ હજીરા સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડમાંથી ટોલ્યુઇન નામનો કેમિકલનો જથ્થો પોતાનાં ટેન્કરોમાં ભરી અંક્લેશ્વર તથા દહેજ ખાતે પહોંચાડવાનો હતો. આ ટેન્કરનાં ચાલકોએ નક્કી કરેલા સ્થળે જવાનાં બદલે ને.હા.નં-48 પરથી પોતાનાં ટેન્કરો પાલોદ ગામ પાસે આવેલી બંસી હોટલની પાછળની ખુલ્લી જગ્યામાં વાળી દીધા હતા. અને મુખ્ય સૂત્રધાર સુરેશચંદ્ર ખટીકને આ કેમિકલ બારોબાર વેચી મારવા માટેનું કાવતરૂ રચ્યુ હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. જોકે ટ્રાન્સપોર્ટ કંપની અને રિલાયન્સ કંપની સાથે વિશ્વાસઘાત કરી રહેલા ત્રણેય આરોપીઓને પાલોદ પોલીસે કેમિકલ ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે બનાવનાં સ્થળેથી 30 હજાર કિંમતનું ટેન્કર નં.જીજે-06-એએક્સ-8272માંથી ચોરી કરી કાઢેલ 600 લિટર ટોલ્યુઇન કેમિકલ, 25 લાખ કિંમતનું ટેન્કર નં.જીજે-06-એએક્સ-8272, 27 લાખ 71 હજાર 662 કિંમતનું ટેન્કર નં.જીજે-06-એએક્સ-8272માં ભરેલ ટોલ્યુઇન કેમિકલ 23.820 મેટ્રીક ટન, 35 લાખ 72 હજાર 697 કિંમતનું ટેન્કર નં.જીજે-06-એવી-5513માં ભરેલ ટોલ્યુઇન કેમિકલ 23.850 મેટ્રીક ટન, 25 લાખ કિંમતનું ટેન્કર નં.જીજે-06-એવી-5513, 3 લાખ કિંમતનો અતુલ જેમ ટેમ્પો નં.જીજે-05-ડીટી-5797, 500 કિંમતની એક પ્લાસ્ટિકની પાઇપ, 15 હજાર કિંમતનાં ત્રણ મોબાઇલ ફોન મળી કુલ 1 કરોડ 16 લાખ 89 હજાર 859 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.