સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમે એક પ્રશંસનીય કામગીરી કરતા પાંચ મહિના પહેલા થયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મધ્યપ્રદેશમાં દરોડા પાડીને આરોપી સુરજ કુશ્વાહની ધરપકડ કરી છે અને તેની ચુંગાલમાંથી 17 વર્ષની સગીરાને મુક્ત કરાવી છે.

17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું

આશરે પાંચ મહિના પહેલા સુરજના ચોકબજાર વિસ્તારમાંથી એક 17 વર્ષની સગીરા ગુમ થઈ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સુરજ મહેશ કુશ્વાહ નામનો શખ્સ સગીરાને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આરોપી સગીરાને પોતાના વતન મધ્યપ્રદેશ લઈ ગયો હતો.

સગીરાને ગોંધી રાખી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ સગીરાને ગોંધી રાખી હતી અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે જબરજસ્તી શરીરસંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ચોકબજાર પોલીસે અગાઉ અપહરણનો ગુનો નોંધ્યો હતો, જેમાં હવે પોક્સો (POCSO) અને દુષ્કર્મની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

પોલીસનું ઓપરેશન

ચોકબજાર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મધ્યપ્રદેશમાં છુપાયેલો છે. જેના આધારે પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરજ કુશ્વાહને ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાને મુક્ત કરાવી તેને સુરત પરત લાવી પરિવારને સોંપવા તજવીજ હાથ ધરી છે, જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતની શાળાઓમાં ખેલકૂદને વેગ મળશે, 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતીને મુખ્યમંત્રીની લીલીઝંડી