સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરતી ટોળકી વિરુદ્ધ લાલ આંખ કરી છે. દુબઈથી બેઠા-બેઠા ભારતભરમાં સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતી કુખ્યાત 'મિલન દરજી ગેંગ' ના બે મહત્વના સાગરીતોને સુરત પોલીસે દબોચી લીધા છે. આ બંને આરોપીઓ છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા હતા, પરંતુ ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર સેલે તેમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.


ચાઈનીઝ ગેંગ સાથે મળીને કરોડોનું કૌભાંડ

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ ગેંગ માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ચાઈનીઝ ગેંગ સાથે સીધા સંપર્કમાં રહીને કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરતી હતી. લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવા, ટાસ્ક ફ્રોડ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા નાણાં હડપવામાં આ ટોળકી માહેર છે. મિલન દરજી ગેંગ વિરુદ્ધ અગાઉ સુરતમાં સંગઠિત ગુનાખોરી વિરોધી કાયદો એટલે કે GCTOC હેઠળ પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે, જે આ ગેંગની ગંભીરતા દર્શાવે છે.

દુબઈ કનેક્શન અને પોલીસ કાર્યવાહી

આ ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલન દરજી દુબઈથી આખું ઓપરેશન સંભાળતો હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલા સાગરીતો ભારતમાં રહીને ડમી બેંક એકાઉન્ટ્સની વ્યવસ્થા અને નાણાંના ટ્રાન્ઝેક્શનનું સંચાલન કરતા હતા. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ધરપકડ બાદ હવે અન્ય કયા-કયા મોટા માથાઓ આ આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં સામેલ છે, તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સાયબર પોલીસે સામાન્ય જનતાને પણ અજાણી લિંક્સ કે વિદેશી નંબરોથી આવતી ઓફર્સથી સાવધ રહેવા અપીલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: