સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદનાં પગલે કીમ અને માંગરોળ વિસ્તારમાં આવેલી જીઆઇડીસીમાં વરસાદી પૂર વરસાદ આવ્યા હતા. જેના ત્રણ દિવસ પછી પણ પાણી નહીં ઓસરતા ઉદ્યોગકારો સંકટમાં મુકાયા છે. અહીં વરસાદી પાણીના નિકાલનાં કાયમી ઉકેલ માટે ઉદ્યોગકારોની બેઠક મળી હતી.
ભારે વરસાદી માહોલમાં કીમથી કીમ ચોકડી વચ્ચે સ્ટેટ હાઇવે પર રોજેરોજ ઘુંટણસમા પાણી ભરાય હતા. જેનાં પગલે વાહન વ્યવહાર પણ ખોરવાય છે. ધોધમાર વરસાદથી કીમ સહિત માંગરોળ તાલુકાનાં મોટા બોરસરા, નવાપરા, પાલોદ, કુડસદ, પાનસરાની હદમાં આવેલી જીઆઇડીસીમાં વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી ભરાઇ ગયું હતું. પાણી ભરાવાનાં પગલે ઉદ્યોગકારો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ સસ્યા વર્ષો જૂની છે. માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસીએશનાં મંત્રી પ્રવિણ દોંગા, અસરગ્રસ્ત ફેક્ટરીનાં માલિકો, મોટા બોરસરા પંચાયત સૂત્રો તેમજ કીમનાં આગેવાનો દ્વારા આ મામલે અગત્યની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગકારો દ્વારા મોટા બોરસરા પાટીયા નજીકની ગટરની સાફસુફી તેમજ રેલવે અધિકારીઓ સાથે સંકલન કરી કીમ રેલવે લાઇનની બાજુમાં જૂની ગટર ફરીથી કાર્યરત કરી વરસાદી પાણીનાં કાયમી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં પડેલા ભારે વરસાદનાં પગલે સમગ્ર જીઆઇડીસી વિસ્તાર, સ્ટેટ હાઇવે અને આસપાસનાં રહેણાંક વિસ્તારોને બેટમાં ફેરવી દીધા હતા. જોકે રાજ્ય સરકારનાં લખલુંટ ખર્ચે ઉપરોક્ત સ્ટેટ હાઇવેને અડીને બનાવવામાં આવેલી બોક્સ ડ્રેનેજ ગટર પણ હાલ ધોળા હાથી સમાન પુરવાર થઇ છે. આ વર્ષે પણ વરસાદનું પાણી ભરાતા ફેક્ટરી માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જેથી તંત્ર પાણી સમસ્યાના કાયમી ઉકેલ માટે આગળ આવે તેવી લોકો અને ફેક્ટરી માલિકોની માંગણી છે.
