સહકારી સંસ્થાઓમાં ખેડૂત સમાજના ભાજપી મેન્ડેટના વિરોધ વચ્ચે શુક્રવારે શ્રી ઓલપાડ-ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંન્ને પદે મેન્ડેટ વિના ભાજપ સમર્પિત કાળાચુડા કડવા પાટીદાર સમાજના બે સહકારી અગ્રણીઓની દરખાસ્ત-ટેકાથી બિનહરીફ વરણી કરવામાં આવી છે.
શ્રી ઓલપાડ-ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના બોર્ડ ઓફ્ ડિરેકટરોની ચૂંટણી બાદ પ્રથમ મિટીંગ શુક્રવાર,તા.11ના રોજ સંઘની સાયણ શાખામાં ઓલપાડ પ્રાંત અને નાયબ કલેક્ટર/ચૂંટણી અધિકારી શ્રીમતી પી.એચ.પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી.આ મિટીંગમાં સંસ્થાના અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના એજન્ડાનું કામ હાથ ધરાયું હતું.જો કે આ સંસ્થાના કુલ 17 ડિરેકટરોની બેઠકમાંથી 6 બેઠક ખાલી રહેતા આજની મિટીંગમાં 11 ડિરેકટરો હાજર રહ્યા હતાં. આ મિટીંગમાં પ્રમુખ તરીકે સંઘમાં છેલ્લા 17 વર્ષથી ઉપપ્રમુખનું સુકાન સંભાળતા મહેન્દ્રભાઈ સી.પટેલ (સોંસક)ની દરખાસ્ત કિરીટભાઈ આર.પટેલે મુકી હતી, જેને વસંત પટેલે ટેકો આપ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે વસવારીના ઈશ્વરભાઈ પી.પટેલની દરખાસ્ત જયવીરસિંહ એમ.મહિડાએ મુકી હતી, જેને અબ્દુલ બસીર મલેકે ટેકો આપ્યો હતો.આ બંને હોદ્દાની દરખાસ્ત સામે બીજી અન્ય કોઈ દરખાસ્ત ન આવતાં બંને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
