દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર મુકાયું હતુ. જોકે તેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં પડયો છે. તે સિવાય નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ચાર ઇંચથી લઇને 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જોકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં 20.60 ઇંચ નોંધાયો છે. તેમાં પણ સાંજના 6થી 8 કલાક દરમિયાન એક સાથે સાત ઇંચ વરસાદ પડતા પરિસ્થિતી ગંભીર બની હતી. સાથે સાથે સુરત શહેરમાં સૌથી વધુ વરસાદ રાંદેર ઝોનમાં 7.04 ઇંચ નોંધાયો છે.
તાપી જિલ્લામાં શુક્રવારે સવારથી જ મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂ થઇ હતી. જિલ્લામાં સાંજે ચાર વાગ્યા સુધીના 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં 16.00 ઈંચ, જ્યારે અન્ય તાલુકાઓમાં 4 થી 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં 138 રસ્તાઓ અવરજવર માટે સદંતર બંધ થવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી જવાના બનાવો નોંધાયા હતા.આ ઉપરાંત તાપી જિલ્લામાં શુક્રવાર સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદ વચ્ચે વ્યારાના કાંજણ ગામમાં એક કાચું ઘર સંપુર્ણપણે ધરાશાયી થયું હતું, જો કે કોઇ જાનહાનિ થઈ ન હતી.
વલસાડ જિલ્લામાં હવામાન ખાતાએ શુક્રવારે રેડ એલર્ટ મુજબ જ સવારે 12 વાગ્યાથી મેઘરાજા બરાબરના વરસ્યા હતાં. બપોરે 2 વાગ્યા બાદ માત્ર બે કલાકમાં ધરમપુરમાં 3.56 ઇંચ અને વલસાડમાં 2.36 ઇંચ વરસાદ ખાબકતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. બપોર સુધીમાં વલસાડના નીચાણવાળા વિસ્તારોમાંથી, તેમાં પણ ઝીંગા તળાવોમાં મજૂરીકામ કરતા શ્રમજીવીઓ સહિત આશરે 800 જેટલા લોકોનું તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સ્થળાંતર કરાયુ હતું. જિલ્લામાં શુક્રવારે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં વલસાડમાં 3.24 ઇંચ, ધરમપુરમાં 4.36 ઇંચ, પારડીમાં 1.64 ઇંચ, કપરાડામાં 1.64 ઇંચ અને નાનાપોંઢામાં 1.60 ઇંચ વરસાદ નોંધાયો હતો.
શુક્રવારની સાંજે 4:00 વાગ્યાથી શનિવારની સાંજે 4:00 વાગ્યા સુધીના 24 કલાકમાં નવસારી તાલુકામાં 160 મી.મી. (6.40 ઈંચ), જલાલપોર તાલુકામાં 107 મી.મી. (4.28 ઈંચ), ગણદેવી તાલુકામાં 75 મી.મી. (3 ઈંચ), ચીખલી તાલુકામાં 85 મી.મી. (3.40 ઈંચ), વાંસદા તાલુકામાં 155 મી.મી. (6.20 ઈંચ) જ્યારે ખેરગામ તાલુકામાં 140 મી.મી.(5.60 ઈંચ) વરસાદ નોંધાયો હતો.
હાલમાં પૂર્ણા નદીની સપાટી 14 ફૂટે, અંબિકા નદી 11.74 ફૂટે વહી રહી છે અને કાવેરી નદીની સપાટી 14.50 ફૂટે રહી છે. જ્યારે જૂજ ડેમની જળ સપાટી ભયજનક સપાટી 167.50 ફૂટની સામે 167.85 ફૂટ જળ સપાટી રહી છે અને કેલીયા ડેમની ભયજનક સપાટી 113.40 ફૂટની સામે 113.90 ફૂટે પહોંચી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો