દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વીજળી પૂરી પાડવાના મામલે DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે માંગ કરી છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતની જેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે.
સિંગલ ફેઝ વીજળીમાં ભેદભાવનો આરોપ
ખેડૂત આગેવાન જયેશ દેલાડનો મુખ્ય આરોપ છે કે, રાજ્ય સરકારની સૂર્યોદય યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને દિવસે આઠ કલાક થ્રી ફેઝ વીજળી પૂરી પાડવામાં આવે છે. આ થ્રી ફેઝ વીજળી બાદ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને સિંગલ ફેઝ વીજળી પણ આપવામાં આવે છે, જેનો ઉપયોગ ઘરવપરાશ અને અન્ય નાના કાર્યો માટે થઈ શકે છે.જોકે, આ સિંગલ ફેઝ વીજળીની સુવિધા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આપવામાં આવતી નથી. દેલાડે આ અન્યાયને લઈને સવાલો ઉઠાવ્યા છે.










