સ્વચ્છતામાં નંબર-1 ગણાતી સુરત મહાનગરપાલિકા માટે ખજોદનો કચરો અને હોટફિક્સ પ્લાસ્ટીકનો કચરો માથાનો દુઃખાવો સમાન સાબિત થયો છે. તેમાં પણ પ્રતિબંધિત એવા હોટફિક્સ કચરામાં આગનો ઉહાપોહ વરાછા, પુણા બાદ હવે લિંબાયતમાં પહોંચ્યો હોય નવી ચિંતા, ઉપાધી સર્જાઇ છે. લિંબાયત ઝોનમાં આંજણા સ્થિત પાલિકાના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. દરમિયાનત્રણ કિલોમિટર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા દેખાતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.

લિંબાયત મીઠીખાડી નજીક આંજણામાં પાલિકાના ડોટ ટુ ડોર કચરા સંગ્રહ કરવાના પ્લાન્ટમાં રવિવારે સાંજે 6 વાગ્યાના સુમારે આગ લાગતાં જ ગણતરીની મિનિટોમાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે આકાશમાં ઊંચે સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં મોટી માત્રામાં હોટ ફ્ક્સિ સહિતનો જ્વલનશીલ કચરો હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ટેક્સટાઇલ મટીરિયલ સાથે સંકળાયેલા પ્લાસ્ટિક અને કેમિકલયુક્ત કચરાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. આગની જાણ થતાં લિંબાયત સહિત આસપાસના ત્રણ ફાયર સ્ટેશનમાંથી પાંચથી વધુ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરાયો હતો. આગમાં પ્લાસ્ટિક સહિતના કચરાના દહનથી ધુમાડો વધુ ગાઢ બન્યો હતો. ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં ગૂંગળામણ જેવી સ્થિતિ ઊભી થતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, આગની ઘટનામાં સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. શોર્ટ સર્કિટ સહિતના સંભવિત કારણોની તપાસ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ કરવામાં આવશે.