માંગરોળ અને વ્યારામાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. માંગરોળ તાલુકા મથકે આવેલા જિનાલયમાં જૈન સંઘ દ્વારા પવિત્ર પર્યુષણ મહાપર્વ તેમજ સંવત્સરીની ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આકર્ષક રંગોળીઓ સાથે સમગ્ર જિનાલય પરીસરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. પર્વના પાંચમા દિવસે દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. તપ અને ત્યાગના આ મહાપર્વ નિમિત્તે માંગરોળ સંઘના ત્રણ આરાધકોએ આઠ દિવસના કઠોર ઉપવાસ કરીને અઠ્ઠાઇ તપની આરાધના સંપન્ન કરી હતી, સંવત્સરીના દિવસે જિનાલય ખાતે ભાઇઓ અને બહેનોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને સમૂહ પ્રતિક્રમણ કર્યુ હતું. આખા વર્ષ દરમિયાન જાણે-અજાણે મન, વચન કે કાયાથી થયેલી કોઇપણ ભૂલો કે અપરાધો માટે સૌએ પરસ્પર હૃદયપૂર્વક ક્ષમા માંગીને મિચ્છામિ દુક્કડમ પાઠવ્યા હતા. વ્યારા ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા જૈનવાડીથી નીકળી કબૂતરખાના, મેઇન બજાર, જૂના બસસ્ટેન્ડ, બેંક રોડ અને બહુચરાજી મંદિર થઇ કોર્ટ વિસ્તારમાં આવેલા જિનાલય ખાતે પહોંચી હતી. જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તોની મોટી ઉપસ્થિતિ વચ્ચે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો