સોના પરની આયાત ડ્યુટ વધવાના કારણે દેશભરના સોના-ચાંદીના બજારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ડાયમંડ અને ગોલ્ડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં 'સુરત જ્વેલર્સ એસોસિએશન' દ્વારા એક અત્યંત તાકીદની અને મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક જ્વેલર્સ અને શો-રૂમના સંચાલકો હાજર રહ્યા હતા અને વર્તમાન આર્થિક સ્થિતિ અંગે ઊંડી ચર્ચા-વિચારણા હાથ ધરી હતી.

 વડાપ્રધાનની અપીલને સમર્થન

બેઠકમાં હાજર તમામ વેપારીઓએ એકસૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ઉષ્માભર્યું સમર્થન જાહેર કર્યું હતું. એસોસિએશને સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન દેશહિત માટે જ કોઈ પણ મોટો નિર્ણય લેતા હોય છે ત્યારે દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર પાસે ચોક્કસ રોડમેપ તૈયાર હશે. આ મુશ્કેલ સમયમાં સુરતના જ્વેલર્સે 'દેશ અને રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના સાથે સરકારના તમામ નિયમોને અનુસરવા અને સહકાર આપવા માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે.

બજારમાં ગભરાટ ન ફેલાવવા અપીલ

સોનાની આયાત ડ્યુટી વધવા છતાં બજારમાં કે ગ્રાહકોમાં કોઈ પણ પ્રકારની અફરાતફરી કે પેનિક જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે એસોસિએશન દ્વારા વેપારી મિત્રોને આશ્વાસન આપવામાં આવ્યું છે. બેઠકમાં એક મહત્વનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે, દેશના મંદિરો અને સામાન્ય લોકો પાસે જે સોનું બચત સ્વરૂપે પડ્યું છે, તેને કોઈ આકર્ષક સરકારી સ્કીમ દ્વારા ફરીથી માર્કેટમાં લાવવામાં આવે. જો આ ઘરગથ્થુ સોનાનું રિસાયકલિંગ પ્રોત્સાહિત કરવામાં આવે, તો આગામી એક વર્ષનો સમયગાળો કોઈ પણ મોટી તકલીફ વિના ખૂબ જ સરળતાથી પસાર થઈ શકે તેમ છે. આ કપરા સમયમાં પણ ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે અને જ્વેલર્સનો વેપાર પણ સુરક્ષિત રહે તે દિશામાં સંગઠન આગળ કામ કરશે તેમ જણાવાયું છે.


આ પણ વાંચો----    Dhar Bhojshalaમાં ઈતિહાસ રચાયો, પોલીસ બંદોબસ્ત વચ્ચે હિંદુઓએ કરી પૂજા