જૂનાગઢમાં નોંધાયેલા રૂ. 50 લાખથી વધુના ચકચારી સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો અને પોતાની ધરપકડ ટાળવા સાઉદી અરેબિયા, થાઇલેન્ડ, દુબઈ ભાગી છૂટેલો શાતિર આરોપી સુરતથી પકડાયો હતો.
ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલા આરોપી ઈનામુહસન મોહમદઉમર કટપીસવાલા (ઉં.વ.26, રહે. ફઝલ ટાવર, અડાજણ પાટિયા) સામે જૂનાગઢ સાયબર સેલમાં રૂ. 50.51 લાખની ઓનલાઇન છેતરપિંડી અંગે ગુનો નોંધાયો હતો. બે વર્ષ પહેલાનાં આ ગુનામાં શાતિર ગેંગે ટેલિગ્રામ પર દુર્ગા સુરી અને સોમ્યા નામે ફેક આઇડી બનાવી ભોગ બનનારનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં હાર્વેયસ એપ્લાયન્સ નામના ગ્રૂપમાં જોઇન કરાવી, ઘરબેઠા પાર્ટ-ટાઇમ જોબ અને રોકાણ પર મોટો નફો આપવાની લાલચ આપવામાં આવી હતી.
