કીમ નદીનાંપ્રકોપનાં પગલે આજે સતત બીજા દિવસે કીમ - ઓલપાડ સ્ટેટ હાઇવે જળમગ્ન હોવાથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. કીમ નજીક આવેલા બોલાવ ગામમાં પણ સતત આજે બીજા દિવસે પૂરની સ્થિતિ છે. કીમ નદીનાં પુરનાં પાણી બોલાવ ગામનાં 20થી વધુ ગરીબ પરીવારોનાં ઘરમાં ઘૂસી ગયા હતા. કમરસુધી પાણી ભરાતા ઘરવખરી, અનાજ સહિત જરૂરી માલ-સામાન પલળી જતા ગ્રામજનોના માથે આફત આવી પડી છે. બે દિવસ ગરીબોનો ચુલો સળ્યો નથી, ભુખ્યા રહેવાની નોબત ઉભી થઇ છે.

વહીવટી તંત્ર દ્વારા માત્ર એક ટાઇમની ખીચડી સિવાઇ કોઇ રાહત સામગ્રી કે પુરતી મદદ મળી નથી. પુર સંકટમાં ધેરાયેલા બોલાવ હળપતિવાસ, જૂના હળપતિવાસ, આહીર વસાહત જેવા વિસ્તારોમાં કીમ નદીનાં પુરનાં પાણી નહીં ઓસર્યા ન હતા. લોકોએ વહીવટી તંત્ર સમક્ષ નુકસાનીનો સર્વે કરી વહેલ તકે આર્થિક સહાય ચુકવવાની માંગ કરી છે.