એક મંચ, એક અવાજ, એક સંકલ્પના સૂત્ર સાથે ગત બુધવારે આઉટર રિંગરોડ સણિયા સ્થિત 'સંપદા ફેસ્ટિવિટી' ખાતે યોજાયેલા 'વીવર્સ મહામંથન-2026' બાદ યાર્નના ભાવવધારાના વિરોધમાં શરૂ કરાયેલા આંદોલનને ઇન્ડસ્ટ્રીમાંથી સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. આક્રોશિત વીવર્સ દ્વારા 1લી ઓક્ટોબર સુધી યાર્નની ખરીદી બંધ કરવામાં આવી છે. બીજી તરફ વીવર્સ આગેવાનો દ્વારા જાહેર કરાયેલા રવિવારના સ્વૈચ્છિક બંધમાં સુરતના અડધા કરતા વધારે કારખાના બંધ રહ્યા હતા. આ સાથે એરજેટ વીવર એસોસિયેશને પોસાતું ન હોય તેવા એરજેટના કારખાનેદારોને ફક્ત એક પાળી ચલાવવા અથવા 15 દિવસ કારખાના સ્વૈચ્છિક બંધ રાખવા કરાયેલી અપીલને પણ સમર્થન મળી રહ્યું છે.
યાર્નના ભાવમાં સતત થઈ રહેલા વધારાને લઈ વીવર્સ આલમમાં રોષ ફાટી નીકળ્યો છે. ગત બુધવારે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત પાવરલૂમ, રેપિયર જેકાર્ડ, વોટરજેટ, એરજેટ અને નીટિંગ સહિતના વીવિંગ એકમોના એકત્ર થયેલા 7થી 8 હજાર વીવર્સની હાજરીમાં ઇન્ડસ્ટ્રીના હિતમાં કેટલાક મહત્ત્વપૂર્ણ અને આકરા નિર્ણયો લેવાયા હતા. જે અંતર્ગત રવિવારે કારખાના સ્વૈચ્છિક બંધ રાખવા એલાન કરાયું હતું. જેના સમર્થનમાં સુરતના અલગ અલગ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલા અડધા કરતા વધારે વીવિંગ કારખાના બંધ રહ્યા હતા. ઘણા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં તો મોટાભાગના કારખાના બંધ રહેતા સૂમસામ માહોલ જોવા મળ્યો હતો. જોકે, ગણેશ વિર્સજનની રજા ગઈ હોવાથી ઓર્ડર પૂર્ણ કરવા હોય અને જોબવર્ક કરતા હોય તેવા કારખાના ચાલુ રહ્યા હતા.
