ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના કપાસી ગામે ઝીંગા તળાવ ઉપર મજૂરી કામ કરતાં ઝારખંડના આધેડ ઉપર વતનના જ અન્ય મજૂરે લાકડીના ડંડાથી હુમલો કરવાની નોંધાયેલી પોલીસ ફરિયાદનો ગુનો મર્ડરમાં ટ્રાન્સફર થતાં ઓલપાડ પોલીસે એક આરોપી યુવકને ઝારખંડથી દબોચી પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે. કપાસી ગામની સીમમાં ગામના તુષાર હરીલાલ પટેલના ઝીંગા તળાવો આવેલા છે. આ તળાવ ઉપર મજૂરોના પડાવમાં ઝારખંડ રાજ્યના આનંદપુર જિલ્લાના આજુબાજુના ગામના 7 મજુરો રહી ત્યાં મજૂરી કામ કરતાં હતાં. ગત તા.7 મી ઓક્ટોબરના રોજ આ પડાવના મજૂરો પૈકી એક આધેડ મજૂર બસલેન કછુઆ (સારંગા ગામ) ઉપર ગત તા.7 મી ઓક્ટોબરના રોજ પડાવમાં રહેતા ગામના 25 વર્ષીય યુવક મુન્ના કોટોવાર નામના યુવકે લડાઈ-ઝઘડો કરી લાકડીના ડંડાથી હુમલો કરતા તે બેભાન થઈ ગયો હતો. તે સમયે ઓલપાડ પોલીસ મથકમાં આરોપી વિરૂધ્ધ મારામારીની ફોજદારી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જ્યારે આ હુમલામાં બસલેન કછુઆને માથાના ભાગે જીવલેણ ઈજા થતા તેને સારવાર અર્થે સુરત શહેર ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ ત્યાં તેને કોઈ ફરક ન પડતાં પરિવાર જનો તેને વધુ સારવાર અર્થે ગત તા-18 ના રોજ વતનમાં ઝારખંડની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતાં, ત્યારે ઝારખંડ નજીકના અધરસ્તે બસલેન કછુઆનું મોત થયું હતું.જેથી આધેડના મૃતદેહનું વતનમાં પી.એમ.કરાવ્યા બાદ તેના પુત્ર રોહન કછુઆએ ઝારખંડના આનંદપુર પોલીસ મથકમાં આરોપી મુન્ના વિરૂધ્ધ ગત તા.19 ના રોજ ખૂન ગુનાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદ ઓલપાડ પોલીસ મથકમાં ટ્રાન્સફર થતાં પોલીસે 18 દિવસ પહેલા નોંધાયેલ મારામારીની આ ફરિયાદ ગુનાની કલમમાં ખૂન ગુનાની વધુ કલમોનો ઉમેરો કરી આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતાં. જો કે ઓલપાડ પોલીસે તપાસ કરતાં આરોપી મુન્ના કોટોવાર વતનમાં ઝારખંડ ભાગી ગયો હોવાનું જણાયું હતું. જેથી ઝારખંડ પહોંચેલી ઓલપાડ પોલીસે ગત તા.24 ના આરોપી મુન્ના કોટોવારને દબોચી લઈ ઓલપાડ પોલીસ મથકમાં લઈ આવી હતી. જો કે પોલીસને આશંકા છે કે આ ગુનામાં મુન્ના કોટોવાર સિવાય વધુ આરોપીઓની સંડોવણી હોવાથી આરોપીના પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે તા.25 ના રોજ સાંજે ઓલપાડ કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ પીઆઇ સી.આર.જાદવ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો