સુરતના કતારગામ દરવાજા પાસે આવેલા નાસીરનગરના કથિત 'ભૂતિયા ડિમોલિશન'નો મામલો હવે ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને તેમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયામાં નજીકના નિર્માણાધીન પ્રોજેક્ટના બિલ્ડરોની ભૂમિકા પહેલેથી જ શંકાના દાયરામાં છે.


 કારમાં 'MLA ગુજરાત' લખેલી નેમ પ્લેટ લગાવેલી જોવા મળી

આ દરમિયાન બુધવારે બિલ્ડરો આ જમીનના મૂળ માલિક એવા વયોવૃદ્ધ પારસી મહિલાના ઘરે પહોંચતા રહસ્ય વધુ ઘેરાયું છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આ મુલાકાત વખતે બિલ્ડર સંજય લાખાણીની લક્ઝુરિયસ કાર માં 'MLA ગુજરાત' લખેલી નેમ પ્લેટ લગાવેલી જોવા મળી હતી, જેણે તંત્ર અને રાજકારણમાં અનેક સવાલો ઊભા કરી દીધા છે.

કરોડોની જમીન દાનમાં આપી

બીજી તરફ, આ જમીનના મૂળ માલિક ગલુબેન પાલિયાએ એક વીડિયો જાહેર કરીને આખા મામલે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, તેમના પરિવારે ભૂતકાળમાં શાળા બનાવવા સહિતના અનેક જાહેર અને સખાવતી હેતુઓ માટે મહાનગરપાલિકાને કરોડોની જમીન દાનમાં આપી છે.

રાજકીય રોટલી શેકવા માટે આ મુદ્દાને ખોટી રીતે ચગાવી રહ્યા છે

તેમણે ક્હયું કે પરંતુ આ ચોક્કસ જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર ઝૂંપડાં અને દબાણો વધી ગયાં હતાં. તેમણે આક્રોશ સાથે ઉમેર્યું કે, જ્યારે વર્ષોથી તેમની ખાનગી જમીન પર ગેરકાયદેસર દબાણો થતા રહ્યા ત્યારે કોઈ તેમની વહારે આવ્યું નહોતું, અને હવે કેટલાક તત્વો માત્ર પોતાની રાજકીય રોટલી શેકવા માટે આ મુદ્દાને ખોટી રીતે ચગાવી રહ્યા છે.

શાસન સામે પણ ગંભીર સવાલો

પારસી મહિલાના આ વીડિયો બાદ હવે સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન સામે પણ ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. જો પાલિકા તંત્રને પહેલેથી જ ખબર હતી કે આ વસાહતો સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી, તો વર્ષો સુધી તંત્રએ ત્યાંથી પ્રોપર્ટી ટેક્સ (વેરાબિલ) અને લાઈટ બિલ કઈ રીતે વસૂલ્યા? તંત્ર દ્વારા આ ગેરકાયદે વસાહતો સામે અગાઉથી જ કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવામાં આવી? હાલમાં બિલ્ડરોની શંકાસ્પદ ભૂમિકા, રાજકીય વગનો ઉપયોગ અને પાલિકાની બેધારી નીતિને કારણે નાસીરનગર ડિમોલિશનનો આ મામલો સુરતભરમાં ભારે ગરમાયો છે. 


આ પણ વાંચો---    Gujarat Latest News Live : બોર્ડર પર પોલીસનું મોટું ઓપરેશન, ઉચ્ચ IPS અધિકારીઓ સરહદી ગામોમાં ઉતર્યા





  • Follow us on: