સુરતના હરિપુરા, સોયશેરીમાં બાથરૂમમાં ગરમ પાણીના નળની ચકલી ચાલુ રહી જતાં ગિઝરમાંથી થયેલા કાર્બન મોનોક્સાઈડ ગેસ ગળતર થતાં કેમિકલ વેપારી 41 વર્ષીય ફૈઝઅહેમદ યુસુફ સૈયદ તેમની 37 વર્ષીય પત્ની અને 12 વર્ષીય પુત્ર ગૂંગળાઈને કમકમાટીભર્યા મોતને ભેટતાં આખો વિસ્તાર હચમચી ઉઠ્યો છે.
સામાન્ય ભૂલે સર્જેલી જાનહાનિ ટોક ઓફ ધી ટાઉન બની હતી
ઘટના સવારે સાડા આઠ વાગ્યે બહાર આવતાં ડી.સી.પી. રાઘવ જૈન, લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ચૌધરી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોયશેરી સૈયદ મંઝિલમાં ત્રીજા માળે રહેતા અને ભેસ્તાનના રોયલ કેમિકલના નામે બે મોટા ભાઇઓ સાથે કેમિકલનો વેપાર કરતા ફૈઝઅહેમદ સૈયદ છેલ્લા બે કલાકથી ફોન નહિ ઉપાડવાની સાથે દરવાજો પણ નહિ ખોલી રહ્યા હોઈ રામપુરાથી મોટા ભાઈ ઉસ્માન સૈયદ દોડી આવ્યા હતા અને પાડોશીઓ સાથે મળી દરવાજો તોડી નાંખ્યો હતો.













