સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે ચાલવા નીકળતા નાગરિકોના ગળામાંથી સોનાના દાગીના ખેંચવાની ઘટનાઓમાં વધારો થયો હતો. આ ગુનાઓને ડામવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી પોલીસે સાહિલ ઉર્ફે વસીમ ઝાકીર શેખ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી ચોરીના દાગીના અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ રૂ.3.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


પાલ અને અડાજણ જેવા પોશ વિસ્તારો હતા ટાર્ગેટ

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સાહિલ ખાસ કરીને શહેરના પાલ, અડાજણ અને અશ્વનીકુમાર જેવા વિસ્તારોમાં સક્રિય હતો. આ વિસ્તારોમાં મોકળા રસ્તાઓ હોવાથી અને વહેલી સવારે લોકો કસરત માટે નીકળતા હોવાથી તે તેને સોફ્ટ ટાર્ગેટ બનાવતો હતો. આરોપી વહેલી સવારે નીકળતા વયોવૃદ્ધો અથવા એકલદોકલ મહિલાઓને નિશાન બનાવી ગણતરીની સેકન્ડોમાં જ ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જતો હતો.

મોપેડનો ઉપયોગ કરી આપતો હતો ગુનાને અંજામ

આરોપીની ગુના કરવાની રીત (મોડસ ઓપરેન્ડી) ખૂબ જ ચોકસાઈ ભરી હતી. તે ચોરીના અથવા નંબર પ્લેટ વગરના મોપેડ પર સવાર થઈને શંકા ન જાય તે રીતે સોસાયટીઓના રસ્તાઓ પર રેકી કરતો હતો. તક મળતા જ પાછળથી આવીને તે ચાલતા લોકો પર તરાપ મારતો હતો. તેની ધરપકડ સાથે જ પાલ અને અડાજણ પોલીસ મથકની હદમાં નોંધાયેલા અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે. હાલ પોલીસ તેની અન્ય કોઈ ગેંગ સાથે સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: