સુરત નજીક કડોદરાના તાંતીથૈયા વિસ્તારમાં આવેલ પ્રભાકર પ્રોસેસર યુનિટમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાતા મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે. યુનિટમાં આવેલા સેન્ટર મિલન મશીન પર કામ કરી રહેલા એક કામદારનો હાથ સાડીમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મશીનમાં હાથ ફસાઈ જવાથી યુવકનો આખો હાથ ખભાના ભાગેથી કપાઈને અલગ થઈ ગયો હતો.

ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ કમનસીબ ઘટના બાદ યુનિટમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી હતી અને ઘાયલ યુવકની પૂછપરછ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ કામદારોની સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.