સુરતના સચિન વિસ્તારમાં ગત 22 નવેમ્બરે એક કારખાનામાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને સફળતા મળી છે. પોલીસે મંકી માસ્ક પહેરીને ચોરીની ઘટનાને અંજામ આપનારા કુખ્યાત આરોપી લાલા ઉર્ફે નેલુ દંડપાની બિશ્નોઈની ધરપકડ કરી છે.

સુરતનો મંકી મેન જેલ ભેગો

મળતી માહિતી પ્રમાણે આરોપી લાલાએ સચિન વિસ્તારમાં આવેલા એક કારખાનાને નિશાન બનાવીને ત્યાંથી રૂપિયા 1.96 લાખની રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી 80 હજાર રૂપિયાની રોકડ, ચોરી કરવા માટે વપરાતા લોખંડના ઓજાર અને અન્ય સામાન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી અત્યંત ચાલાક છે, જે સીસીટીવી કેમેરામાં ઓળખાઈ ન જાય તે માટે ખાસ મંકી માસ્ક પહેરીને જ ઘરફોડ ચોરીઓ કરતો હતો.

30થી વધુ ગુનાનો ધરાવે છે ઈતિહાસ

 પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે લાલો ઉર્ફે નેલુ કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ તે એક રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 30થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. તે રાત્રિના સમયે બંધ મકાનો કે કારખાનાની રેકી કરતો અને ત્યારબાદ મધ્યરાત્રિએ માસ્ક પહેરી ત્રાટકતો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને દબોચ્યો

 સચિન પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને દબોચી લીધો છે. આ ધરપકડથી સુરતના વેપારીઓ અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ચોરીમાં તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ હતા કે કેમ અને તેણે તાજેતરમાં અન્ય કયા સ્થળોએ હાથફેરો કર્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabada News: પ્રદૂષિત પાણીની બોટલ સાથે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ, શહેરમાં ટેકસ ભરે છે શહેરીજનો પણ સુવિધાના નામે મીડું