સુરત શહેરમાંથી ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરીને સુરત મહાનગરપાલિકાના એક લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. સુરત મનપાના વરાછા ઝોનમાં આકારણી ક્લાર્ક તરીકે ફરજ બજાવતો રાકેશ વનમાળી એક સન્માનિત નાગરિક પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવતા એસીબીના સકંજામાં આવી ગયો છે.
વેરો રેસિડન્ટ તરીકે ચાલુ રાખવા માંગી હતી લાંચ
એક મિલકતનો ટેક્સ વ્યવસાયિક (કોમર્શિયલ) ને બદલે રહેણાંક (રેસિડન્ટ) તરીકે જ ચાલુ રાખવા માટે આકારણી ક્લાર્ક રાકેશ વનમાળીએ ફરિયાદી પાસે રૂ.3,500ની લાંચની માંગણી કરી હતી. જો આ લાંચ ન આપવામાં આવે તો મિલકત વેરો વધારી દેવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે જાગૃત ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે તાત્કાલિક સુરત એસીબી ઓફિસનો સંપર્ક સાધીને આ ભ્રષ્ટાચારી કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.













