સુરત એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ઓલપાડના સિવાણ ગામમાં આવેલી મહેક રેસિડન્સીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર ઉતસોબ બીસવાસ નામનો શખ્સ ક્લિનિક ખોલીને બેઠો હતો. આ કહેવાતો ડોક્ટર પૂરતી જાણકારી વગર જ દર્દીઓની સારવાર કરીને માનવ જીવન સાથે ગંભીર ચેડા કરી રહ્યો હતો.

મેડિકલ સાધનો અને દવાઓનો મુદ્દામાલ જપ્ત

પોલીસ તપાસ દરમિયાન ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને વિવિધ મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી અંદાજે 6,781 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેના કોઈ પણ માન્ય દસ્તાવેજો કે સરકારની મંજૂરી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ઝોલાછાપ ડોક્ટરો સામે પોલીસની લાલ આંખ

ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર આવા ઝોલાછાપ ડોક્ટરો ઝડપાતા હોય છે, જેઓ ડિગ્રી વગર જ સામાન્ય લોકોની સારવાર કરતા હોય છે. સુરત SOG પોલીસે ઉતસોબ બીસવાસની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી સમગ્ર પંથકમાં આવા ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ હંમેશા માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટર પાસે જ સારવાર કરાવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો