દક્ષિણ ગુજરાતમાં નેશનલ એક્સપ્રેસ-વે 4 પર રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કિમ નજીક આવેલા મોટી નરોલી ગામ પાસે એક્સપ્રેસ-વે પર ચઢતી વખતે એક કાર અને અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાની સાથે જ કારમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ કાર જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.
અકસ્માત બાદ કારમાં લાગી હતી આગ
આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઈટરો જ્યારે આગ ઓલવી રહ્યા હતા ત્યારે સળગેલી કારની બિલકુલ નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે મૃતક યુવક પોતે જ કાર ચલાવી રહ્યો હતો.













