સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરામાં મંગળવારે બપોરે લાગેલી આગ બુધવારે બીજા દિવસે પણ બેકાબૂ રહી હતી. ફાયર વિભાગના ૫૦થી વધુ જવાનો મંગળવારે બપોરેથી સતત ઓન ડ્યૂટી આગ ઓલવવા માટેની કામગીરીમાં જોડાયા છે અને ૨૫ લાખ લિટરથી વધુ પાણીનો વેડફાટ કરાયા બાદ પણ આગ પર ક્યારે કાબૂ મેળવી શકાશે તે કહેવું મુશ્કેલ છે. અગત્યની વાત તો એ છેકે બે મહિનામાં બીજી વાર આગ લાગી છે પરંતુ તેની પાછળનું કારણ જાણી શકાયું નથી. આગ લાગી છે અથવા લગાડવામાં આવી છે તે મુદ્દો હવે ગંભીર બની રહ્યો છે.
ખજોદ ડિસ્પોઝલ સાઈટ પાલિકા માટે માથાનો દુખાવો બની ગઇ છે
ખજોદ ડિસ્પોઝલ સાઈટનો કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે સીડી ટ્રાન્સપોર્ટ એજન્સીને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે આ એજન્સી અત્યાર સુધી ૩૦ લાખ ટન કચરાની જગ્યાએ ૧૪ લાખ ટન કચરાનો જ નિકાલ કરી શકી છે અને ૧૬ લાખ ટન કચરાનો નિકાલ બાકી છે. આ દરમિયાન ત્રણ મહિના પહેલા મહુવા તાલુકાના કાંકરિયા ગામે કચરો ડમ્પ કરવા મુકે તેની સામે વિવાદ સર્જાયો છે. એક બાજુ એજન્સી સામે પ્રશ્નાર્થ ઊભો છે ત્યાં બીજી બાજુ સાઈટ પર બે મહિનામાં બીજી વાર આગ શંકા ઉપજાવે છે. આગ લાગી છે અથવા તો લગાડવામાં આવી છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
