શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચાલુ બાઈકે સંતુલન ગુમાવતા એક યુવક રોડ પર પટકાયો હતો અને પાછળથી આવતા ટેમ્પાના ટાયર નીચે કચડાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ જોઈને રૂંવાડા ઊભા થઈ જાય તેમ છે. ભાઠેના વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર યુવકની બાઈક અચાનક સ્લીપ થઈ ગઈ હતી.


બાઈક સ્લીપ થતા યુવક ટેમ્પા નીચે કચડાયો

બાઈક સ્લીપ થતા જ યુવક રસ્તાની બીજી તરફ ફેંકાયો હતો. કમનસીબે, બરાબર તે જ સમયે બાજુમાંથી એક આઈશર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. યુવક સીધો ટેમ્પાના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટેમ્પાના ટાયર નીચે દબાઈ જવા છતાં યુવકનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે તેની હાલત અંગે વધુ વિગતોની પ્રતીક્ષા સેવાઈ રહી છે.

ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી CCTV ફૂટેજ કબજે કર્યા છે અને ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ વાહન ચાલકોની સુરક્ષા સામે ફરી સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: