ઓલપાડ તાલુકાના દેલાડ ગામે આવેલા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં તસ્કરોએ પોતાનો પરચો બતાવ્યો છે. અહીં ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ પાસે પાર્ક કરવામાં આવેલી એક બાઈકની અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બાઈક માલિકે પોતાની બાઈક હંમેશની જેમ પાર્ક કરી હતી, પરંતુ જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે બાઈક ત્યાં જોવા મળી ન હતી, જેથી ચોરી થઈ હોવાનું જણાયું હતું.
બે શખ્સો બાઈક પર આવી ચોરીને આપ્યો અંજામ
ચોરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક બાઈક પર બે અજાણ્યા ઈસમો આવ્યા હતા. આ શખ્સોએ ખૂબ જ ચાલાકીપૂર્વક અને ગણતરીની મિનિટોમાં પાર્ક કરેલી બાઈકનું લોક તોડી તેની ઉઠાંતરી કરી હતી. ફૂટેજમાં દેખાતી તેમની હિલચાલ પરથી જણાય છે કે તેઓ આ વિસ્તારમાં અગાઉથી રેકી કરીને આવ્યા હોય તેમ લાગે છે.
