સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિનપ્રતિદિન માસૂમ બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર ગણાતા બેગમવાડીની તિરૂપતિ માર્કેટના પાર્કિંગમાં એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો. કાળજું કંપાવી દેનારી આ સમગ્ર ઘટના માર્કેટમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
સ્થાનિકોએ દોડીને બાળકનો જીવ બચાવ્યો
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક પાર્કિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે જ કૂતરાઓએ તેને ઘેરી લીધું હતું અને નીચે પાડીને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. બાળકની ચીસાચીસ સાંભળીને આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકો તાત્કાલિક લાકડીઓ લઈને દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ શ્વાનોને ભગાવીને માસૂમને લોહીલુહાણ હાલતમાં બચાવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
