સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા લોકહિતમાં એક મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોસંબામાં આવેલી વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી છે. આ ટાંકી અત્યંત જર્જરિત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી હતી, જેને પગલે સ્થાનિક રહીશોની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.
કોસંબામાં વર્ષો જૂની પાણીની ટાંકી તોડાઈ
આ પાણીની ટાંકી દાયકાઓ જૂની હતી અને તેના પોપડા ઉખડવા માંડ્યા હતા. આસપાસના રહેણાંક વિસ્તારો અને અવરજવર કરતા લોકો માટે આ ટાંકી એક મોટું જોખમ બની ગઈ હતી. સ્થાનિક સ્તરેથી વારંવાર થયેલી રજૂઆતો બાદ, સત્તાધીશો દ્વારા ટાંકી તોડી પાડવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી મળતાની સાથે જ ટેકનિકલ ટીમની દેખરેખ હેઠળ આ જર્જરિત માળખાને તોડી પાડવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
