સાંધીએર : ધી ઓલપાડ-સાયણ-કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની 58 મી વાર્ષિક સભા સાયણ જીન કેમ્પસ ખાતે સંસ્થાના પ્રમુખ ભાવિન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સભામાં એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતાં.

આ સભામાં મંડળીના પ્રમુખ ભાવિન પટેલે કહ્યું હતું કે, સને 1968ની સાલમાં તાપી નદીની રેલ હોનારતમાં પાયમાલ થયેલા ઓલપાડ તાલુકામાં વેપાર કરતા નાના વેપારીઓના ઉત્થાન માટે માત્ર 174 સભાસદોથી સ્વ. મોહનકાકા અને કાંતિકાકાએ મંડળીની સ્થાપના કરી રૂ. 2.51 લાખનું ધિરાણ કર્યું હતું. જે મંડળી આજે 3,504 સભાસદ સંખ્યા સાથે પ્રગતિ કરી વાર્ષિક ટર્નઓવર રૂ.160 કરોડ ધરાવે છે. નજીકના વર્ષમાં મંડળીનું ભંડોળ, ધિરાણ, લોન વ્યાજ, આવક તથા સભાસદોના રિકરિંગની જમા રકમ વગેરેના સંપૂર્ણ ડેટા ઘર બેઠા મળી જાય તે માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આ સભામાં સભાસદોએ રજૂ કરેલા પ્રશ્નોના ખુલાસા સંસ્થાના પ્રમુખ ભાવિન પટેલે હકારાત્મક આપી યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી. મંડળીના ઉપપ્રમુખ સન્મુખ ઢીમ્મરે આભારવિધિ કરી હતી.