ઉમરપાડા તાલુકાનાં ઝરપણ ગામમાં સરકારી ગૌચરની કિંમતી જમીન પર થયેલા અતિક્રમણના મામલે સ્થાનિક ગ્રામજનો દ્વારા રાજ્યપાલને સંબોધીને ઉમરપાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવતા મામલો ગરમાય ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડા તાલુકાનાં ઝરપણ ગામે બ્લોક નં.98 ની સરકારી તેમજ ગૌચર જમીન આવેલી છે. જેની ઉપર રિટાયર્ડ કલેક્ટર જગતસિંહ વસાવા દ્વારા ગેરકાયદે દબાણ કરીને ખેતી કરવામાં આવતી હોવાનાં ગંભીર આક્ષેપો સાથે સમસ્ત ગ્રામજનોએ રાજ્યપાલને સંબોધીને ઉમરપાડા મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગામનાં મહેસૂલી રેકર્ડ મુજબ બ્લોક-સર્વે નંબર 98 માં આવેલી આશરે 1-95-31 હે.આરે. ચોરસ મીટર જેટલી સરકારી પડતર તેમજ ગૌચર જમીન આવેલી છે. આ જમીનનાં મોટા હિસ્સા પર કબજો જમાવીને ખેતી કરવામાં આવ્યાનો આરોપ મુકવામાં આવ્યો છે. ભૂતકાળમાં તંત્ર દ્વારા અહીંનું દબાણ દૂર કરવામાં આવ્યુ હોવા છતા પણ કોઇ કાયમી નિરાકરણ આવ્યું નથી અને ફરી તે જ જગ્યાએ હળ ચલાવીને વાવેતર કરી દેવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ જમીન પર મકાઇ અને તુવેર સહિતનાં પાકોનું વાવેતર કરવામાં આવ્યુ હોવાનાં પુરાવારૂપ ફોટોગ્રાફ્સ તેમજ ગામ નમૂના નંબર 7/12 અને 8-અ નાં સરકારી દસ્તાવેજો આવેદનપત્ર સાથે જોડવામાં આવ્યા છે. આ ગેરકાયદે ખેડાણને કારણે સમગ્ર ઝરપણ ગામનાં જાહેર હિત, ગૌચરનાં ઉપયોગ અને પશુપાલન વ્યવસાયને સીધી અને ગંભીર અસર થઇ રહી છે. ગામનાં માલધારીઓ અને પશુપાલકો માટે ગૌચરની જમીન આજીવિકા સમાન છે, પરંતુ સતત થતા દબાણનાં પગલે પશુઓ માટે ઘાસચારો ચરવાની જગ્યા ખૂબ જ ઘટી ગઇ છે. પરિણામે પશુપાલકોને આર્થિક નુક્સાન અને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. બીજી તરફ ગામનાં બાળકો અને યુવાનો માટે રમતગમતનું કોઇ યોગ્ય જાહેર મેદાન પણ ઉપલબ્ધ નથી. જેથી આ સરકારી ગૌચર જમીનને ગેરકાયદે ખેડાણમાંથી મુક્ત કરવામાં આવે તો પશુઓ માટે ઘાસચારાની સુવિધા મળે સાથે ગામનાં બાળકો અને યુવાનો માટે રમતગમતનું ઉત્તમ મેદાન પણ તૈયાર થઇ શકે તેમ છે. સમગ્ર બાબતે ગ્રામજનોએ મામલતદાર સમક્ષ મહત્ત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે, જેમાં બ્લોક-સર્વે નંબર 98 ની જમીનની તાત્કાલિક સરકારી કક્ષાએથી સ્થળ તપાસ કરી સત્તાવાર માપણી કરાવવી, સરકારી રેકર્ડ અને વાસ્તવિક સ્થિતી મુજબ દબાણની હદ નક્કી કરી પંચનામું કરવું, ગેરકાયદે ખેડાણ તાત્કાલિક દૂર કરવુ અને ભવિષ્યમાં ફરી ક્યારેય દબાણ ન થાય તે માટે કાયમી વહીવટી તકેદારી રાખવી સામેલ છે. વધુમાં, જો તપાસ દરમ્યાન ગેરકાયદે જમીન પચાવી પાડવાનું સાબિત થાય તો જવાબદાર વ્યક્તિ સામે કાયદા મુજબ શિક્ષાત્મક પગલા ભરવામાં આવે.