સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તથા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક ખૂબ જ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ મથકોની વિવિધ ટીમો દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે એક વ્યાપક 'મેગા ડ્રાઇવ' શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત શહેરના અલગ-અલગ ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને અનેક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.
મહત્વના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તપાસ
પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરતના તમામ મહત્વના ઇન્ડસ્ટ્રીયલ એરિયાને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને કતારગામ GIDC, સચિન GIDC, અને પાંડેસરા GIDC જેવા મોટા ઓદ્યોગિક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સિવાય ભેસ્તાન, પાંડેસરા, પંડોળ અને ચોક બજાર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ વિસ્તારોમાં શંકાસ્પદ રીતે રહેતા અને ફેક્ટરીઓમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીયોની ઓળખ તપાસવામાં આવી રહી છે.
